Ahmedabad Accident: અમદાવાદના બોપલ બ્રિજના છેડે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને કારમાં સવાર 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે તો એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ ફોર્ચ્યુનર કારમાંથી દારૂનો મોટો જથ્થો રોડ પર ઠલવાયો હતો. ત્યારે ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને આ અંગે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
થારે યુટર્ન લેતા ફોર્ચ્યુનરે મારી ટક્કર
વિગતો મુજબ, અમદાવાદના બોપલમાં વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ જતા બુટલેગરની કારનો અકસ્માત સર્જાયો હતો. બુટલેગરની ફોર્ચ્યુનર કાર વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુએ એક થારે યુટર્ન મારતા બંને કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે થાર 150 ફૂટ દૂર સુધી ફંગોળાઈ હતી અને તેમાં સવાર બંને વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ફોર્ચ્યુનરમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને 30 વર્ષીય રાજુ સાહુ નામના શખ્સને બચાવી લેવાયો હતો. વિગતો મુજબ અકસ્માત વહેલી સવારે 4.31 વાગ્યે સર્જાયો હતો.
અકસ્માત બાદ રોડ પર દારૂની રેલમછેલ
ફોર્ચ્યુનર કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો. અકસ્માત બાદ રોડ પર દારૂ અને બિયરની ટીનનો મોટો જથ્થો રોડ પર ઢોળાયો હતો અને ફોર્ચ્યુનર કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવા માટે પોલીસને ફાયર બ્રિગેડની મદદ લેવી પડી હતી અને કારના પતરા કાપીને ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલમાં યુવકને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT