Ahmedabad News: મેક્સિકોમાં અમદાવાદની ટોરેન્ટ ફાર્માસ્યૂટિકલની પેટાકંપની લેબોરેટરી ટોરેન્ટ SA de CVના ફાઈનાન્સ ડિરેક્ટર કેતન શાહની લૂંટના ઈરાદે કરુણ હત્યા કરી નાખવામાં આવી છે. બાઈક પર આવેલા લૂંટારૂઓએ કેતન શાહ પર ફાયરિંગ કરીને $10,000 (અંદાજે 8 લાખ) લૂંટી લીધા હતા. કેતન શાહ 2019થી મેક્સિકો સિટીમાં કાર્યરત હતા અને 7 વર્ષથી ટોરેન્ટ ફાર્મા સાથે જોડાયેલા હતા. તેમને પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
ADVERTISEMENT
ગોળીબારમાં કેતન શાહના પિતા પણ ઈજાગ્રસ્ત
વિગતો મુજબ, કેતન શાહ મેક્સિકોમાં એરપોર્ટ ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી $10,000 ડોલર ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બે બાઈક સવાર હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ લૂંટારૂ 10 હજાર ડોલર લઈને ભાગી ગયા હતા. જેમાં કેતન શાહને સ્થાનિકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. તો ઘટનામાં કેતન શાહના પિતા પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના ગત અઠવાડિયે બની હતી.
હાલમાં મેક્સિકન પોલીસે આ લૂંટ અને હત્યાના કેસમાં તપાસ શરૂ કરી છે. હાલમાં કેતન શાહના પરિવારને સુરક્ષિત ભારત પરત લાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને માહિતી આપી
આ ઘટના અંગે, મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે X (Twitter) પર ટ્વિટ કર્યું કે ‘ખૂબ જ ખેદજનક અને હૃદયદ્રાવક ઘટનામાં મેક્સિકોમાં રહેતા એક ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. દૂતાવાસ પીડિત પરિવારનો સંપર્ક કરી રહ્યો છે. અમે મેક્સીકન સત્તાવાળાઓને ગુનેગારોની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છીએ.
ADVERTISEMENT