Ahmedabad Crime News: અમદાવાદમાં ફરી એકવાર લૂંટનો બનાવ બન્યો છે. જેમાં જમીન દલાલને ચાની કિટલી પર મળેલી અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવાનું ભારે પડ્યું. આંબાવાડી વિસ્તારમાં બંગલો ખરીદવા માટે જમીન દલાલ રૂ.42 લાખ રોકડા લઈને ટોકન આપવા નીકળ્યા હતા. આ દરમિયાન જ શખ્સ પૈસા લઈને ફરાર થઈ ગયો.
ADVERTISEMENT
ચાની કિટલી પર થઈ મિત્રતા
વિગતો મુજબ, ઘાટલોડિયામાં રહેતા હર્ષદભાઈ પટેલ જમીન દલાલનું કામ કરે છે અને એસ.જી હાઈવે પર બિઝનેસ હબમાં ઓફિસ ધરાવે છે. તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 26 નવેમ્બરે તેઓ જમીનના કામકાજ અર્થે કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ પર મિત્ર સાથે બેઠા હતા અને જમીનની લે-વેચ અંગે વાત કરતા હતા. દરમિયાન નજીકમાં બેઠેલો એક શખ્સ તેમની પાસે આવ્યો અને પોતાનું નામ ઈમરાન ડેલા જણાવી પોતે પણ જમીન લે-વેચનું કરતો હોવાનું જણાવ્યું હતું.
બંગલા ખરીદવા લાવ્યા હતા 42 લાખ
બાદમાં બંને વચ્ચે ઘણીવાર ફોનમાં વાત થવા લાગી. બાદમાં આંબાવાડીમાં એક બંગલો ખરીદીને નફામાં વેચવાનો હોવાથી હર્ષદભાઈ તેમના પાર્ટનર હસમુખભાઈ અને ઈમરાન ડેલા ત્રણેય જોવા ગયા. બાદમાં ઈમરાને 2 ડિસેમ્બરે ફોન કરીને પોતાની પાસે બંગલો ખરીદવા પાર્ટી હોવાનું કહ્યું અને ઓફિસે આવીને ટોકન પાર્ટી આપશે તેમ જણાવ્યું. જોકે ટોકન માટે કોઈ ન આવતા આખરે હર્ષદભાઈએ પોતે બંગલાનું 51 લાખનું ટોકન આપવાનું નક્કી કર્યું અને એસ.જી હાઈવેની આંગડિયા પેઢીમાંથી 42 લાખ લાવ્યા હતા. આ બેગ તેમણે ટેબલ નીચે ઓફિસમાં મૂકી હતી અને બીજા 9 લાખની મોડેથી આવવાના હતા આથી તે ઓફિસમાં બેઠા હતા.
ઓફિસમાંથી પૈસા ભરેલી બેગની લૂંટ
બાદમાં કેતનભાઈ અને હસમુખભાઈ બાકીની 9 લાખની રકમ લેવા નીચે આવ્યા. ઈમરાન પણ તેમની સાથે નીચે ગયો અને પછી કોઈ કામથી પાછો ઓફિસમાં આવ્યો. અહીં તેણે હર્ષદભાઈને 42 લાખ ભરેલી બેગ આપવા કહ્યું. તેમણે આપવાની ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાત મારીને નીચે પાડી દીધા બાદમાં બેગ ખેંચીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT