Ahmedabad News: અમદાવાદમાં ગત રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ હતી. મેચની રાત્રે નાના ચિલોડા પાસે દિલ્હીની એક વ્યક્તિ પાસેથી પોલીસ દ્વારા રૂ.20 હજારનો તોડ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે એક હેડ કોન્સ્ટેબલ, બે કોન્સ્ટેબલ અને 7 TRB જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રવિવારે રાત્રે કારમાંથી દારૂની એક બોટલ પકડાતા દિલ્હીના વેપારીને કેસ કરવાની ધમકી આપીને રૂ.20 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલો સામે આવયા બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા.
ADVERTISEMENT
શું હતી સમગ્ર ઘટના?
દિલ્હીથી મેચ જોવા માટે આવેલા કાનવ નામના યુવાનને નાના ચિલોડા પાસે દારૂની બોટલ સાથે પોલીસે ઝડપ્યો હતો. યુવક પાસે કાયદેસરની પરમીશન હોવા છતાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની ધમકી આપીને તેને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ 20 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.
મોબાઈલના વેપારીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા
પોલીસ કર્મચારીઓએ દિલ્હીના વેપારીને કેસ કરવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. વેપારીએ ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરતા તેમણે એક મોબાઈલના વેપારીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાદમાં વેપારી પાસેથી રોકડા પૈસા લઈ લીધા હતા. પોલીસે આ દુકાનદારને શોધીને તેનું નિવેદન લીધું હતું અને બાદમાં પોલીસકર્મી તથા TRB સહિત 10 લોકોના નામો ખુલતા તેમને સસ્પેન્ડ કર્યા હતા.
ADVERTISEMENT