Ahmedabad News: ગુજરાતમાંથી અત્યાર સુધીમાં સામાન્ય ક્લિનિક ચલાવતા બોગસ તબીબો તો ઘણીવાર ઝડપાય ચૂક્યા છે. પરંતુ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવેલા કિસ્સાને સાંભળીને તમે હચમચી જશો. હકીકતમાં અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આખે આખી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બોગસ તબીબ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગમાં હલચલ મચી જવા પામી છે. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવતીનું મોત થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. હાલ તો અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે આ હોસ્પિટલને સીલ કરી દીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
દર્દીના પરિવારે ઉતાર્યો હતો વીડિયો
મળતી માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને એક વીડિયો મળ્યો હતો. જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીનો પરિવાર એવું જણાવી રહ્યો હતો કે, તેમની દીકરીને લઈને તેઓ બાવળા ખાતે આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેને દાખલ કરવામાં આવી હતી. સવારે દીકરીની તબિયત સારી હતી, પરંતુ રાતે તેનું મૃત્યુ થયું હતું.
વીડિયો બાદ એક્શનમાં આવ્યું આરોગ્ય વિભાગ
વીડિયોમાં પરિવારજનોમાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે, તેઓને હોસ્પિટલ દ્વારા દોઢ લાખ રૂપિયા ફી જણાવવામાં આવી હતી, તો બીજીબાજુ વારંવાર રિપોર્ટ આપવાનું કહેવા છતાં ડોક્ટરે રિપોર્ટ આપ્યો નહોતો. સાથે જ ડોક્ટરે આ યુવતીને સરકારી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું, પરંતુ રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
બોગસ તબીબ ચલાવી રહ્યો હતો હોસ્પિટલ
વાયરલ વીડિયોનું તથ્ય જાણવા અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHO ડો. શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પહોંચેલી ટીમને જાણવા મળ્યું હતું કે ડોક્ટર મેહુલ ચાવડા કરીને કોઈ વ્યક્તિ આ હોસ્પિટલ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું, તો તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી.
દર્દીના જીવ સાથે થતા હતા ચેડા
અહીં દર્દીઓના જીવન સાથે રમત થતી હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને ધ્યાને આવ્યું હતું. મેહુલ ચાવડા દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો અને લોકોના જીવન સાથે રમત રમતો હતો. એટલું જ નહીં દર્દીની ફાઈલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવતું નહોતું. આથી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં રેકોર્ડની તપાસ પણ કરી હતી. બાદમાં હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. હાલ આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT