એક તરફ ડિજિટલ યુગે પૈસાની લેવડદેવડને સરળ બનાવી દીધી છે, તો બીજી બાજુ ડિજિટલ લેવડદેવડમાં રિસ્ક પણ વધી ગયુ છે. ઘણીવાર તો બેંકો પણ પોતાની ભૂલોને કારણે મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે. આવું જ કંઈક યુકો બેંક સાથે પણ થયું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણા ગ્રાહકોના એકાઉન્ટ્સમાં ભૂલથી લાખો રૂપિયા જમા થઈ ગયા. બેંકના ગ્રાહકોના એકાઉન્ટ્સમાં કુલ 820 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. બેંક તરફથી એવું કહેવામાં આવ્યું છે કે આવું ભૂલથી થયું છે. હવે તે પૈસાને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
649 કરોડ રૂપિયા પરત લેવામાં આવ્યા
માહિતી અનુસાર, અત્યાર સુધીમાં બેંક ગ્રાહકોના ખાતામાંથી 649 કરોડ રૂપિયા પરત લેવામાં આવ્યા છે આ રકમ IMPS દ્વારા ગ્રાહકોના ખાતામાં જમા થઈ ગઈ હતી. બેંકને આ અંગેની જાણ થતાં જ સંબંધિત એકાઉન્ટ્સને ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. આ પછી બેંક કુલ રકમના 79 ટકા રકમ રિકવર કરવામાં સફળ રહી હતી. બેંક હજુ સુધી એ સ્પષ્ટ કરી શકી નથી કે આવું કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું કે પછી કોઈ કર્મચારીએ ભૂલ કરી હતી કે બેંકની સિસ્ટમને હેંક કરવામાં આવી હતી.
171 કરોડ રિકવરની પ્રક્રિયા પણ શરૂ
બેંકનું કહેવું છે કે, બાકીના 171 કરોડ રૂપિયા રિકવર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જરૂરી કાર્યવાહી માટે લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે. 10થી 13 નવેમ્બરની વચ્ચે એવા સમાચાર સામે આવ્યા હતા કે, ટેકનિકલ સમસ્યાને કારણે અન્ય બેંકોના ગ્રાહકોના એકાઉન્ટમાંથી IMPS દ્વારા UCO બેંકના ખાતાધારકોના એકાઉન્ટમાં પૈસા જમા થઈ રહ્યા હતા.આ બેંકોમાંથી રસીદો પણ મળી રહી ન હતી.
BSEને જાણકારી આપી
બેંકે કહ્યું કે, 10 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી તેની ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસમાં આંતરિક ગડબડ થઈ હતી, ત્યારબાદ બેંકે તેની ઈન્સ્ટન્ટ પેમેન્ટ સર્વિસ ચેનલને ઓફલાઈન કરી દીધી હતી. બેંકે આ ઘટના વિશે BSEને જાણકારી આપી છે અને કહ્યું છે કે સાવચેતીના પગલા ભરતા બેંકે તે ખાતાઓને બ્લોક કરી દીધા છે, જેમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. રિઝર્વ બેંક પણ પોતાના સ્તરે આ ભૂલના કારણની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT