નવી દિલ્હી: દેશમાં જલ્દી જ FASTagની ઝંઝટમાંથી આઝાદી મળવાની છે. આ સાથે જ ટોલ પ્લાઝા પણ જૂની વાત થઈ જશે. સરકાર નેશનલ હાઈવેથી ટોલ હટાવીને હવે ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરાથી ટોલ ટેક્સ વસૂલ કરવાની યોજના પર કામ કરી રહી છે. આની જાણકારી માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) શેર કરી છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ મુજબ, હાલમાં ટોલ પ્લાઝા પર FASTag દ્વારા ટેક્સ કાપવામાં આવે છે. પરંતુ જલ્દી જ ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા આ કામ કરશે. કેમેરા આ ઓટોમેટિક નંબર પ્લેટને રીટ કરશે અને ટોલ ટેક્સના પૈસા તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે. નીતિન ગડકરીએ આ સંબંધમાં જાણકારી આપતા કહ્યું કે, આ યોજના પર પાયલટ પ્રોજેક્ટના રૂપમાં કામ ચાલું છે. તેમણે કહ્યું કે, આ યોજના લાગુ કરવા માટે કાયદાના સંશોધન પર પણ વિચાર કરવામાં આવશે.
નંબર પ્લેટ રીડર કેમેરા લગાવવામાં આવશે
નિતિન ગડકરીએ કહ્યું કે, હવે ટોલ પ્લાઝાને હટાવવા અને નંબર પ્લેટ રીડર કેમેરા લગાવવાની તૈયારી છે. જે વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલ કરશે. રિપોર્ટ મુજબ, ઓટોમેટિક નંબર પ્લેટ રીડર કેમેરા દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં લાગતા સમયમાં ઘટાડો થશે. ગડકરીએ કહ્યું કે, હાલમાં આ પ્રોજેક્ટમાં કેટલીક અડચણો આવી રહી છે, જેને સોલ્વ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમ કે નંબર પ્લેટ પર નંબર સિવાય અન્ય કંઈ લખ્યું હોય તો કેમેરાને તેને રીડ કરવામાં મુશ્કેલી આવી શકે છે.
હાલમાં 97 ટકા કલેક્શન FASTag દ્વારા થાય છે
સરકાર દ્વારા ટોલ ટેક્સ માટે FASTagને લાગૂ કર્યા બાદ ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનોમાંથી મહદઅંશે મુક્તિ મળી છે. હાલમાં હાઈવે પર લગભગ 40 હજાર કરોડ રૂપિયાના કુલ ટોલ ટેક્સમાંથી 97 ટકા કલેક્શન FASTagથી થાય છે. જ્યારે 3 ટકા ટેક્સ કેશ અથવા કાર્ડ દ્વારા વસૂલાય છે.
ADVERTISEMENT