Stock Market: રામ મંદિર (Ram Mandir)માં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ચૂકી છે, જેના બીજા જ દિવસે એટલે કે આજે શેરબજાર ખુલ્યું ત્યારે તોફાની તેજી જોવા મળી. સેન્સેક્સ (Sensex) ખુલતા જ 72 હજારને પાર કરી ગયો. જ્યારે નિફ્ટી (Nifty)એ પણ જોરદાર ઉછાળો નોંધાવતા 21,700ની ઉપર ખુલ્યો. આ સિવાય બેંક નિફ્ટી (Bank Nifty)માં પણ શાનદાર ઉછાળો નોંધાયો છે. બજારમાં શાનદાર તેજીની વચ્ચે સોલાર સેક્ટરના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો.
ADVERTISEMENT
PM મોદીની જાહેરાત બાદ જોરદાર ઉછાળો
સોલાર સેક્ટર સાથે જોડાયેલા શેરમાં શાનદાર ઉછાળો આવવા પાછળનું કારણ સોમવારે વડાપ્રધાને કરેલી એક ખાસ જાહેરાત હતી. વાસ્તવમાં અયોધ્યા (Ayodhya)માં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યકર્મમાં સામેલ થયા બાદ દિલ્હી પરત ફરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ 1 કરોડ ઘરો પર રુફટોપ સોલાર લગાવવાની જાહેરાત કરી હતી. આ લક્ષ્ય ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ હેઠળ પૂર્ણ કરવામાં આવશે. પીએમ મોદીએ આ યોજાનાને ભગવાન શ્રી રામ સાથે જોડતા કહ્યું હતું કે સૂર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણો સદૈવ ઉર્જા પ્રાપ્ત કરે છે.
શેરના ભાવમાં જોવા મળ્યો ઉછાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ એનર્જી સેક્ટર્સના મોટાભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો. ટાટા પાવરના શેર લગભગ 3 ટકા વધીને 354 રૂપિયાની ઉપર ટ્રેડ કરી રહ્યા હતા. જ્યારે IREDA શેરમાં 5 ટકાનો વધારો નોંધાયો છે, IREDAના એક શેરની કિંમત 156.25 રૂપિયા પહોંચી છે. ટોપ ગેનર શેરોની વાત કરીએ તો સન ફાર્મા, ભારતી એરટેલ, ICICI બેંક, પાવર ગ્રીડ અને TSS જેવા શેરોમાં તેજી જોવા મળી હતી.
સેન્સેક્સ 72 હજારને પાર
મંગળવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ વધીને 71,868.20 પર ખુલ્યો અને થોડા સમય પછી 72,039.20 પર પહોંચ્યો હતો. સૌથી વધુ ઘટાડો એશિયન અને HDFC બેંકના શેરમાં જોવા મળ્યો. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 24 શેરોમાં વધારો જોવા મળ્યો. સન ફાર્મામાં સૌથી વધુ 3.32 ટકાનો ઉછાળો રહ્યો હતો.
નિફ્ટી-બેંક નિફ્ટીમાં પણ ઉછાળો
શેરબજારમાં તેજીના કારણે નિફ્ટી 160 પોઈન્ટના ઉછાળા સાથે 21,716.70 પર ખુલ્યો. તેનું હાઈ લેવલ 21,750.25 અને લો લેવલ 21,702.75 હતું. જ્યારે બેંક નિફ્ટી આજે 372 પોઈન્ટ ઉછળીને 46,430 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેક્ટર્સની વાત કરીએ તો મીડિયા, પીએસયુ બેંક અને રિયલ્ટી સેક્ટરમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. અન્ય તમામ સેક્ટર્સ ગ્રીનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
ADVERTISEMENT