Stock Market Crash : મંગળવારે લોકસભા ચૂંટણી 2024ના પરિણામને દિવસે શેર માર્કેટમાં જે કડાકો બોલ્યો છે, તેનાથી ઘણી કંપનીઓને તગડો ઝટકો લાગ્યો છે. મંગળવારે સેન્સેક્સમાં 4,389.73 પોઈન્ટનો ઘટાડો આવ્યો અને તે 72,079.05 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નિફ્ટીએ પણ રોકાણકારોના ધબકારા વધાર્યા અને તે 1379.40 પાઈન્ટ ઘટીને 21,884.50 પર બંધ થયો. આ ઘટાડાથી એક જ દિવસમાં રોકાણકારોના લગભગ 45 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. મંગળવારે મુકેશ અંબાણી સહિત દેશના અનેક દિગ્ગજ બિઝનેસમેનને નુકસાન થયું છે.
ADVERTISEMENT
મુકેશ અંબાણીના ડૂબ્યા 1.38 લાખ કરોડ
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ને પણ શેરબજારના ઘટાડાથી નુકસાન થયું છે. મંગળવારે કંપનીના શેરમાં 6.76 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા સાથે કંપનીને 1.38 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક સમયે કંપનીના શેર 12 ટકાથી વધુ ઘટીને રૂ. 2718.60ની આસપાસ પહોંચી ગયા હતા. જોકે બાદમાં કંપનીની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ બજાર બંધ સમયે તે 6.76 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. શેરબજાર બંધ થવાના સમયે કંપનીના એક શેરની કિંમત 2816.45 રૂપિયા હતી.
આ કંપનીના શેરને થયું તગડું નુકસાન
શેરબજારમાં કડાકાને કારણે માત્ર રિલાયન્સ જ નહીં પરંતુ અદાણી ગ્રુપને પણ મોટું નુકસાન થયું છે. આ ગ્રુપના તમામ શેર્સમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. સૌથી વધુ ઘટાડો અદાણી પોર્ટના શેરમાં જોવા મળ્યો. તે એક જ દિવસમાં 20 ટકાથી વધુ ઘટ્યો હતો. અદાણી ગ્રુપના બાકીના શેરમાં પણ 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપના તમામ 10 શેર સહિત કંપનીને લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું. ગયા વર્ષે હિંડનબર્ગ રિપોર્ટ પછી અદાણીને આ સૌથી મોટું નુકસાન છે.
એક્ઝિટ પોલે આપ્યો દગો!
શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ લોકસભા ચૂંટણીમાં એનડીએને અપેક્ષા મુજબની બેઠકો મળી શકી નથી. એક જૂનના રોજ આવેલા એક્ઝિટ પોલમાં NDAને લગભગ 350થી 400 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જે બાદ જ્યારે સોમવારે માર્કેટ ખલ્યું ત્યારે તેમાં જોરદાર વધારો નોંધાયો હતો. તે સમયે સેન્સેક્સ 2000 પોઈન્ટને પાર કરી ગયો હતો. બીજી તરફ આજે જ્યારે પરિણામ આવ્યા ત્યારે એનડીએને એક્ઝિટ પોલ પ્રમાણે સીટો મળી ન હતી, જેના કારણે નુકસાન થયું હતું.
ADVERTISEMENT