Ahmedabad Bank News: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ અમદાવાદની એક સહકારી બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકની કથળતી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય બેંકે અનેક નિયંત્રણો લાદ્યા છે. જેમાં ગ્રાહકને વધુમાં વધુ 50,000 રૂપિયા જ ઉપાડવાની છૂટ છે.
ADVERTISEMENT
RBIએ લગાવેલા નિયંત્રણો આજથી અમલમાં
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, RBIએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તેના દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો 25 સપ્ટેમ્બરે બેંકિંગ વ્યવસાય બંધ થવાની સાથે અમલમાં આવ્યા છે એટલે કે આજથી જ આ નિયંત્રણો અમલમાં આવી ગયા છે. આ નિયંત્રણો છ મહિના સુધી અમલમાં રહેશે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક તેની પૂર્વ પરવાનગી વગર ન તો લોન આપી શકે છે અને ન તો જૂની લોન રિન્યૂ કરી શકે છે. આ સિવાય તેમને કોઈપણ પ્રકારનું રોકાણ કરવા અને નવી થાપણો સ્વીકારવા પર પણ રોક લગાવવામાં આવી છે.
50,000થી વધુ નહીં ઉપાડી શકે ખાતાધારકો
આરબીઆઈએ જણાવ્યું હતું કે, થાપણદારને બેંકમાં તેની કુલ થાપણોમાંથી 50,000 રૂપિયાથી વધુ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે, કેન્દ્રીય બેંકે કહ્યું કે આ બેંકના ખાતાધારકોને 5 લાખ રૂપિયા સુધીની થાપણો માટે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી થાપણ વીમા લાભો મળશે. આ અંગે વધુ માહિતી માટે ગ્રાહકો બેંક અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.
જો કે, સેન્ટ્રલ બેંકે કહ્યું કે કલર મર્ચન્ટ્સ સામેના તેના આદેશોને બેંકિંગ લાઇસન્સ રદ કરવા તરીકે જોવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બેંક આ નિયંત્રણો સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
ADVERTISEMENT