RBI Repo Rate: સસ્તી હોમ લોનની આશાઓ પર ફરી એકવાર પાણી ફર્યું, RBIએ રેપો રેટમાં કોઈ ઘટાડો ન કર્યો

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે MPC બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી. આ વખતે પણ RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો…

gujarattak
follow google news
  • રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યે MPC બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી.
  • આ વખતે પણ RBI દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • બેઠકમાં હાજર છમાંથી પાંચ સભ્યો રેપો રેટ યથાવત રાખવાની તરફેણમાં હતા.

RBI Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી સમિતિની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે આ દરોને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે તમારી EMIમાં કોઈ ફેરફાર થશે નહીં. બેઠકમાં હાજર છમાંથી પાંચ સભ્યો રેપો રેટ યથાવત રાખવાની તરફેણમાં હતા.

રેપો રેટ ફેબ્રુઆરી 2023 થી યથાવત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા વર્ષે 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ રેપો રેટમાં છેલ્લે વધારો કર્યો હતો. ત્યારબાદ RBIએ તેમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. ત્યારથી, આ દરો સતત છ એમપીસી મીટિંગમાં યથાવત રાખવામાં આવ્યા છે અને આ વખતે પણ પહેલાથી જ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. રેપો રેટની સાથે, રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટને 3.35% પર સ્થિર રાખ્યો છે. MSF દર અને બેંક દર 6.75% પર યથાવત છે. જ્યારે, SDF રેટ 6.25% પર સ્થિર છે.

GDP વૃદ્ધિ 7% રહેવાની ધારણા

રેપો રેટને સ્થિર રાખવાની જાહેરાતની સાથે RBI ગવર્નર શક્તિદાન કાંતે મોંઘવારી અંગે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટી ખાદ્ય ચીજોની કિંમતો (ફૂડ ઈન્ફ્લેશન) પર નજર રાખી રહી છે. મોંઘવારીમાં નરમી જોવા મળી રહી છે. આ જોતાં MPCની બેઠકમાં મોંઘવારીનો લક્ષ્યાંક 4 ટકા જાળવવામાં આવ્યો છે. GDP વૃદ્ધિ અંગે શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, FY24માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિનો અંદાજ 7 ટકાથી ઉપર રાખવામાં આવ્યો છે. અગાઉના અંદાજમાં પણ રિઝર્વ બેન્કે તેને 7.3 ટકા પર રાખ્યો હતો. આ સાથે તેમણે કહ્યું કે, ગ્રામીણ ક્ષેત્રમાં માંગ સતત મજબૂતી બતાવી રહી છે.

FY25 માટે છૂટક ફુગાવાનો દર 4.5% હોવાનો અંદાજ છે. જ્યારે FY24 માટે છૂટક ફુગાવાનો અંદાજ 5.4% પર જાળવવામાં આવ્યો છે. આ સિવાય આરબીઆઈએ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.7 થી વધારીને 7.2% કર્યો છે. જ્યારે બીજા ક્વાર્ટરમાં જીડીપીનો અંદાજ 6.5% થી વધારીને 6.8% કરવામાં આવ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં તેને 6.4% થી વધારીને 7% અને ચોથા ક્વાર્ટરમાં 6.9% કરવામાં આવ્યો છે.

આ રીતે રેપો રેટ EMIને અસર કરે છે

રેપો રેટ એ દર છે કે જેના પર દેશની કેન્દ્રિય બેંક ભંડોળની અછતના કિસ્સામાં વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે. રેપો રેટનો ઉપયોગ મોનેટરી ઓથોરિટી દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. હકીકતમાં, રેપો રેટની અસર સામાન્ય લોકો દ્વારા બેંકોમાંથી લેવામાં આવેલી લોનની EMI પર જોવા મળે છે. જો રેપો રેટમાં ઘટાડો થાય છે તો સામાન્ય લોકોની હોમ અને કાર લોનની EMI ઘટે છે અને જો રેપો રેટ વધે છે તો કાર અને હોમ લોનના ભાવ વધે છે.

 

    follow whatsapp