નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની મોનેટરી પોલિસી કમિટીની બેઠક આજે સમાપ્ત થઈ ગઈ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી અને તેમણે રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટના વધારાની જાહેરાત કરી છે. આ રીતે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો થયો છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંક રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. ગયા મહિને 5 ઓગસ્ટે RBIએ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો.
ADVERTISEMENT
વિશ્વભરની બેંકોએ વ્યાજદરમાં વધારો કર્યો
આજના વધારા સહિત, સેન્ટ્રલ બેંકે મે મહિનાથી રેપો રેટમાં ચાર વખત વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ હવે 5.90 ટકા પર પહોંચી ગયો છે. પહેલા તે 5.40 પર હતો. શક્તિકાંત દાસે કહ્યું કે કોરોના વાયરસ તથા અને રશિયા-યુક્રેન યુદ્ધના બાદ વૈશ્વિક કેન્દ્રીય બેંકોની આક્રમક નાણાકીય નીતિઓથી જાણો તોફાન ઊભું થયું છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કર્યો છે. યુએસ ફેડ રિઝર્વે વ્યાજ દરોમાં સતત 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેના કારણે રૂપિયા પર દબાણ વધ્યું હતું.
લોન મોંઘી થશે
રેપો રેટ વધ્યા બાદ લોન મોંઘી થશે, કારણ કે બેંકોની ઉધાર કિંમત વધી જશે. આ પછી બેંકો તેમના ગ્રાહકો પર બોજ નાખશે. હોમ લોન ઉપરાંત ઓટો લોન અને અન્ય લોન પણ મોંઘી થશે. રેપો રેટનો સીધો સંબંધ બેંક પાસેથી લીધેલી લોન અને EMI સાથે છે. વાસ્તવમાં, રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે.
દેશમાં ફુગાવાનો દર
દેશમાં રિટેલ ફુગાવાનો દર સતત આઠમા મહિને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નિર્ધારિત લક્ષ્ય મર્યાદાથી ઉપર રહ્યો છે. ભૂતકાળમાં જાહેર કરાયેલા રિટેલ ફુગાવાના આંકડા પર નજર કરીએ તો ઓગસ્ટમાં તે ફરી એકવાર 7 ટકા પર પહોંચી ગયો હતો. અગાઉ જુલાઈ મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થયો હતો અને તે ઘટીને 6.71 ટકા પર આવી ગયો હતો.
ADVERTISEMENT