દિલ્હીઃ ગત વર્ષોની સરખામણીએ નવું વર્ષ આર્થિક રીતે વધુ મુશ્કેલ રહી શકે છે એવા મીડિયા રિપોર્ટ્સ દ્વારા દાવા કરાઈ રહ્યા છે. IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ CBS રવિવારના ફેસ ધ નેશન કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે IMFના એમડીએ રવિવારે કહ્યું કે વર્ષ 2023માં વૈશ્વિક વૃદ્ધિના મુખ્ય એન્જિન અમેરિકા, યુરોપ અને ચીનની અર્થવ્યવસ્થામાં નબળાઈ જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે વિશ્વની ત્રણેય મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનમાં મંદી છે.
ADVERTISEMENT
આ સ્થિતિ કેમ સર્જાઈ…
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે વર્ષ 2023 માટે તેના વૈશ્વિક વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ, વધતી જતી મોંઘવારી અને તેના પર અંકુશ મેળવવા માટે યુએસ ફેડરલ રિઝર્વ જેવી કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.
ઝીરો કોવિડ પોલિસીનો અંત અને અર્થવ્યવસ્થા ખુલી જવા છતાં ચીનમાં કોવિડ કેસની વધતી સંખ્યાને લઈને ગ્રાહકો ચિંતિત છે. કોવિડ નીતિમાં ફેરફાર બાદ નવા વર્ષ પર પોતાના પ્રથમ સંબોધનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શનિવારે કહ્યું કે અમે નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ, જેમાં વધુ પ્રયત્નો અને એકતાની જરૂર પડશે.
જ્યોર્જિવાએ કહ્યું છે કે 40 વર્ષમાં પહેલીવાર 2022માં ચીનનો વિકાસ વૈશ્વિક વૃદ્ધિની બરાબર અથવા તેનાથી ઓછો થઈ શકે છે. તેમણે કહ્યું કે આગામી મહિનાઓમાં કોવિડની બીજી લહેર ચીનની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. આનાથી પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ બંનેને અસર થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે IMF ચીફ ગયા મહિનાના અંતમાં ચીનની મુલાકાતે ગયા હતા.
ADVERTISEMENT