નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોને બુધવારે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે રૂ.3 લાખ સુધીની શોર્ટ ટર્મ એગ્રીકલ્ચર લોન પર વ્યાજમાં 1.5 ટકાની સબવેન્શન યોજનાને ફરી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળની મંજૂરી મળતા ખેડૂતોને ઓછા વ્યાજ પર લોન મળતી રહેશે અને બેંકો તથા લોન આપનારી અન્ય સંસ્થાઓ પર તેનું ભારણ નહીં પડે.
ADVERTISEMENT
સરકાર પર આટલો બોજ વધશે
મંત્રીમંડળની બેઠક બાદ સૂચના પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તેની જાણકારી આપી. તેમણે કહ્યું કે, સરકારી બેંકો, પ્રાઈવેટ બેંકો, નાની નાણાંકીય બેંકો, સહકારી બેંકો અને કોમ્પ્યુટરાઈઝ્ડ પીએસીએસને નાણાંકીય વર્ષ 2022-23થી 2024-25 માટે સરકાર તરફથી આ મદદ મળશે. મંત્રીમંડળની આ મંજૂરી બાદ ઈન્ટરસ્ટ સબવેન્શનની ચૂકવણી કરવા માટે બજેટમાં વધારાના 34,856 કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડશે.
રોજગારના અવસર પેદા કરવામાં મદદ મળશે
સરકારનું કહેવું છે કે, આ ઈન્ટરસ્ટ સબવેન્શન સ્કીમને આગળ વધારવાથી એગ્રીકલ્ચર સેક્ટરમાં લોનનો પ્રવાહ બનાવી રાખવામાં મદદ મળશે. સાથે જ લોન આપનારી સંસ્થાઓની નાણાકીય હાલત પણ ખરાબ નહીં થાય. આ મદદ મળવાથી બેંક લોન પર વ્યાજ મેળવવા સક્ષમ થશે અને નાના ખેડૂતોને ઓછા સમયગાળાની લોન આપવા પ્રોત્સાહન મળશે. સરકારના આ નિર્ણય બાદ રોજગારમાં પણ તેનાથી મદદ મળવાની આશા છે.
સબસિડી અને સબવેન્શનમાં તફાવત
તમને જણાવી દઈએ કે ઈન્ટરસ્ટ સબવેન્શન અને સબસિડી અલગ-અલગ બાબત છે. સરકાર ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સબસિડી આપે છે. જે અંતર્ગત સરકાર કેટલાક સામાન કે સેવાઓ પર ખર્ચનો એક ભાગ પોતે વહન કરે છે. જ્યારે સબવેન્શન યોજના અંતર્ગત લાભાર્થિઓને લોનના વ્યાજ પર રાહત આપવામાં આવે છે. સરકાર વ્યાજને સસ્તું કરે છે, પરંતુ તેમાં સંપૂર્ણ છૂટ નથી આપતી.
ADVERTISEMENT