LPG Price Hike: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને આજથી એટલે કે 1 ડિસેમ્બરથી લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. વર્ષના છેલ્લા મહિનાના પહેલા દિવસે એટલે કે 1 ડિસેમ્બર 2023થી એલપીજી સિલિન્ડર (Commercial LPG price) મોંઘો થઈ ગયો છે. જી હાં, મહિનાના પહેલા જ દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.41 સુધીનો વધારો કર્યો છે, જોકે આ વધારો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત પર કરવામાં આવ્યો છે. અપડેટ કરાયેલા ભાવો અનુસાર, રાજધાની દિલ્હીમાં એક સિલિન્ડરની કિંમત હવે વધીને 1796.50 રૂપિયા થઈ ગઈ છે.
ADVERTISEMENT
આજથી નવા ભાવ લાગુ
એલપીજી સિલિન્ડરની કિંમતો IOCL વેબસાઈટ પર અપડેટ કરવામાં આવી છે અને બદલાયેલ કિંમતો 1 ડિસેમ્બરથી લાગુ થઈ ગઈ છે. નોંધનીય છે કે દિવાળી પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 103 રૂપિયાનો વધારો કર્યો હતો અને 1 નવેમ્બર 2023ના રોજ દિલ્હીમાં તેની કિંમત 1833.00 રૂપિયા થઈ ગઈ હતી, પરંતુ 16 નવેમ્બરે છઠના તહેવારે આ પહેલા આના પર રાહત આપવામાં આવી હતી અને સિલિન્ડરની કિંમત 50 રૂપિયા ઘટીને 1755.50 રૂપિયા થઈ હતી, પરંતુ વર્ષ પૂરું થાય એ પહેલા કિંમતોમાં ફરી એકવાર 41 રૂપિયાનો વધારો થયો હતો.
મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલેન્ડરના ભાવ
લેટેસ્ટ ફેરફારો બાદ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો વિશે વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં આજથી 19 કિલોનો LPG સિલિન્ડર 1755.50 રૂપિયાને બદલે 1796.50 રૂપિયામાં મળશે. તો કોલકાતામાં તેની કિંમત 1885.50 રૂપિયાથી વધારીને 1908.00 રૂપિયા કરવામાં આવી છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1728.00 રૂપિયાને બદલે 1749.00 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં તે 1942.00 રૂપિયાને બદલે 1968.50 રૂપિયામાં મળશે. અમદાવાદમાં તેની કિંમત 1751 રૂપિયાથી વધારીને 1795 રૂપિયા કરવામાં આવી છે.
ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ યથાવત્
એક તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે તો બીજી તરફ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત રાખી છે. IOCLની વેબસાઇટ અનુસાર, તે દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા, અમદાવાદમાં 910 અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ADVERTISEMENT