કૌશિક કાંટેચા.કચ્છઃ કચ્છની બન્ની ભેંસની પ્રજાતિ તો પોતાની લાખેણી કિંમત માટે દેશભરમાં પ્રખ્યાત છે ત્યારે હવે કચ્છના સિંધી ઘોડા ભાવ મુદ્દે બન્ની ભેંસને પણ ટક્કર મારી રહ્યા છે. કચ્છના લાકડીયા ગામનો સિંધી નસ્લનો ઘોડો ‘બાજ’ અધધધ… રૂ. 21 લાખમાં વેચાયો છે.
ADVERTISEMENT
કચ્છમાં ઘોડાની અત્યાર સુધીની સૌથી મોંઘી ખરીદી
કચ્છમાં ઘોડાઓનો ઉછેર કરનારા લોકોની વસતી ખૂબ મોટી છે. ભૂતકાળમાં સિંધ સાથે ખૂબ નજીકના સંબંધ ધરાવતા કચ્છમાં દાયકાઓથી અનેક લોકો સિંધી ઘોડા પાળે છે. સિંધી બાદ મારવાડી અને કાઠિયાવાડી ઘોડા પણ કચ્છમાં વધ્યા છે પરંતુ સિંધી ઘોડાની માંગ હજુ પણ સૌથી વધારે છે. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ગામના સરપંચ સુલેમાન ઘઘડાનો સિંધી નસલનો ઘોડો બાજ હાલમાં જ રૂ. 21 લાખમાં વેચાતા સર્વત્ર જ આ ઘોડાની ચર્ચાઓ જાગી છે. 4.5 વર્ષના આ સિંધી ઘોડા બાજ માટે અંજાર તાલુકાના એક અશ્વપ્રેમીએ રૂ. 21 લાખ આપતા કચ્છમાં અત્યાર સુધીની સૌથી મોંઘી અશ્વ ખરીદી કરી હતી.
પૈસા લઈ બનું છું ગર્લફ્રેન્ડ, આ છે ચાર્જ…, યુવતીનો વિચિત્ર દાવો
કચ્છનો કેસરી ઘોડો પણ સુલેમાનભાઈએ ઉછેર્યો
આ ઘોડાના પૂર્વ માલિક સુલેમાન ઘઘડા પોતે પેઢીઓથી ઘોડાઓનો ઉછેર કરે છે. તેમના દાદા અને પિતા બાદ સુલેમાનભાઈ પણ કચ્છમાં ઘોડાના ઉછેર માટે મોટું નામ ધરાવે છે. કચ્છના તાકાતવર ઘોડાઓમાં જેનું નામ સૌથી ઉપર લેવાતું, એવો કચ્છ કેસરી ઘોડો પણ સુલેમાનભાઈ પાસે જનમ્યો હતો અને તેનો ઉછેર પણ તેમણે કર્યો હતો. બાજ વિશે વાત કરતાં સુલેમાનભાઈએ જણાવ્યું હતું કે, બાજ બે વર્ષનો હતો ત્યારે તેને રૂ. 50 હજારમાં તેમણે ખરીદ્યો હતો. “બે વર્ષ સુધી તેની માવજત કર્યા બાદ એક અશ્વપ્રેમીએ તેને ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી અને અંતે તેને રૂ. 21 લાખમાં વેચ્યો છે.”
21 લાખના ઘોડાની ખાસીયત શું?
બાજની ખાસિયત વિશે વાત કરતાં સુલેમાન ભાઈએ જણાવ્યું હતું કે બાજની ચાલ સૌથી સારી છે. જેથી તે એક જ નજરે સૌનું ધ્યાન ખેંચે લે છે. “બાજ ખૂબ ઊંચો છે અને તેની ચાલમાં અલગ જ રૂવાબ છે. બાજ સાથે મારા મિત્રોની પણ એટલી લાગણી હતી. તેના વેચાણના સમાચાર તેમને મળતા તેઓ મારા પર ગુસ્સે થયા હતા.” સુલેમાનભાઈએ વધુમાં કહ્યું કે, “ઘોડાના ઉછેર માટે સૌથી મહત્વપૂર્ણ છે તેને સમયસર ચરો પાણી આપવા. અનેક લોકો ગાય ભેંસની જેમ ઘોડાને પણ રંજકો આપે છે પણ બાજને મેં સારામાં સારી ગુણવત્તા વાળું ઘાસ ખવડાવ્યું છે અને તેના ખોરાકમાં ચણાને પણ ખૂબ મહત્વ આપ્યું હતું.”
સુલેમાન ભાઈ પાસે આજે પણ આઠ ઘોડા છે અને ઘોડા પાળી તેમનો ઉછેર કરવો તેમનો શોખ બની ગયો છે. સિંધી નસલનો ઘોડો રૂ. 21 લાખમાં વેચાતા કચ્છ સહિત ગુજરાતભરના અશ્વપ્રેમીઓમાં ભારે આકર્ષણ જામ્યું છે.
ADVERTISEMENT