નવી દિલ્હી: આ અઠવાડિયે જ અમીરોની લિસ્ટમાં ટોપ-3માં એન્ટ્રી કરનારા ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીની સંપતિ સતત વધી રહી છે. માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં આવેલા ઉછાળાના કારણે એક દિવસમાં અદાણીની નેટવર્થ 5.29 બિલિયન ડોલર (લગભગ 42,000 કરોડ રૂપિયા) વધી ગઈ. આ સાથે જ ગૌતમ અદાણી અને દુનિયાના બીજા નંબરના સૌથી અમીર જેફ બેજોસ વચ્ચેનું અંતર હવે ઘટી ગયું છે. જો આ જ ગતિએ અદાણીની સંપતિ વધતી રહેશે તો થોડા જ દિવસોમાં તેઓ બેજોસને પાછળ છોડીને દુનિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બની જશે.
ADVERTISEMENT
એક દિવસમાં કેટલું ઓછું થયું અંતર
બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈંડેક્સના આંકડા અનુસાર, અદાણીની કુલ સંપતિ 31 ઓક્ટોબરે માર્કેટ બંધ થયા બાદ 5.29 બિલિયન ડોલર વધીને 143 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. બીજા નંબરે બેજોસની નેટવર્થ 152 બિલિયન ડોલર છે. આ દરમિયાન બેજોસની નેટવર્થમાં 1 બિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો. આવી રીતે હવે અદાણી અને બેજોસ વચ્ચે માત્ર 9 બિલિયન ડોલરનું અંતર છે. જ્યારે એક દિવસ પહેલા બંનેની નેટવર્થમાં 16 બિલિયન ડોલરનું અંતર હતું.
ટોપ-3માં પહોંચનારા પહેલા એશિયન બન્યા અદાણી
નોંધનીય છે કે, અદાણીએ આ જ અઠવાડિયે લુઈસ વુટનના સીઈઓ અને ચેરમેન બર્નાર્ડ અર્નાલ્ટને પાછળ છોડ્યા હતા. આ રીતે અદાણી ભારત જ નહીં પરંતુ એશિયાના પહેલા એવા વ્યક્તિ બની ગયા, જે અમીરોના લિસ્ટમાં ટોપ-3માં સામેલ થયા છે.
ટોપ-10માં ફરી થઈ અંબાણીની એન્ટ્રી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પણ આ દરમિયાન ફાયદો થયો છે. આ દરમિયાન અંબાણીની સંપતિમાં 2.04 અબજ ડોલરનો વધારો થયો. હવે અંબાણીની ટોટલ નેટવર્થ 94 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વધારા સાથે જ મુકેશ અંબાણી ફરી એકવાર બ્લૂમબર્ગના ધનકુબેરોની યાદીમાં ટોપ-10માં સામેલ થઈ ગયા છે. હવે બ્લૂમબર્ગની અમીરોની યાદીમાં રિયાલન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન 9માં ક્રમે છે. એક દિવસ પહેલા તેઓ 11માં સ્થાને હતા.
ADVERTISEMENT