Adani Group Report: આંતરરાષ્ટ્રીય મીડિયામાં અદાણી જૂથ પર ફરી એક કૌભાંડનો આરોપ લાગ્યો છે. આરોપો છે કે તેણે ઓછો પૈસામાં આયાતી કોલસો ખરીદ્યો અને પછી આ કોલસાથી બનેલી વીજળીને વધારે ઊંચી કિંમતે ભારતીયોને વેચી.
ADVERTISEMENT
ફાઈનાન્સિયલ ટાઈમ્સે રિપોર્ટ રજૂ કર્યો
UKની મીડિયા સંસ્થા ફાઇનાન્સિયલ ટાઇમ્સ (FT) એ 12 ઓક્ટોબરના રોજ એક તપાસ અહેવાલ પ્રકાશિત કર્યો છે- ‘અદાણી કોલસાની આયાતનું રહસ્ય, જ્યારે કિંમતો ચૂપચાપ બમણી થઈ ગઈ.’ કંપનીના કસ્ટમ રેકોર્ડને ટાંકીને, FTએ દાવો કર્યો છે કે બે વર્ષ સુધી કંપનીએ તાઈવાન, દુબઈ અને સિંગાપોરમાં વચેટિયાઓ દ્વારા લગભગ રૂ. 42 હજાર કરોડના કોલસાની આયાત કરી હતી. તે પણ બજાર ભાવથી લગભગ બમણા ભાવે.
અખબારે લખ્યું, “ભારતની અર્થવ્યવસ્થાના મોટા ભાગને નિયંત્રિત કરતા અને મજબૂત રાજકીય જોડાણો ધરાવતા અદાણી જૂથે બજાર કિંમત કરતા ઘણા વધુ ભાવે અબજો ડોલરના કોલસાની આયાત કરી છે.”
‘કોલસાની કિંમત 52% ઊંચી બતાવાઈ’
રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી 2019 અને ઓગસ્ટ 2021 વચ્ચે, જૂથના આવા 30 શિપમેન્ટ છે, જેમાં કિંમત અને બજાર મૂલ્ય વચ્ચે $73 મિલિયન (રૂ. 607 કરોડ)નો તફાવત છે. જ્યારે આ 30 શિપમેન્ટ ઇન્ડોનેશિયાના તટથી નીકળ્યા ત્યારે તેમની નિકાસ કિંમત કુલ $139 મિલિયન (રૂ. 1,157 કરોડ) હતી. અને, તેઓ ભારત પહોંચ્યા કે તરત જ, તેમનું આયાત મૂલ્ય $215 મિલિયન (રૂ. 1,789 કરોડ) નોંધાયું હતું — 52% નો વધારો.
અદાણી જૂથે અહેવાલને ફગાવ્યો
આ અહેવાલ પ્રકાશિત થાય તે પહેલા જ અદાણી જૂથે આ આરોપોને ફગાવી દીધા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રિપોર્ટનો હેતુ જૂથના નામ અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો છે. આ માટે જૂના પાયાવિહોણા આક્ષેપો બેવડાવવામાં આવ્યા છે. રિપોર્ટને છાપવાના સમય પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે અહેવાલ સુપ્રિમ કોર્ટની સુનાવણી સમયે જાણીજોઈને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર કેસ?
વાત ખરેખર જૂની છે. 2016 માં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં જણાવાયું હતું કે 40 સંસ્થાઓએ ઇન્ડોનેશિયાથી કોલસાની આયાત કરતી વખતે ઓછા પૈસા ચૂકવીને ઊંચા બિલ બનાવ્યા હતા. 40 સંસ્થાઓમાં અદાણી ગ્રુપની પાંચ કંપનીઓ પણ હતી.
DRIએ બાદમાં અન્ય દેશોની ન્યાયિક એજન્સીઓને પત્રો (લેટર્સ રોગેટરી) મોકલ્યા. બોમ્બે હાઈકોર્ટે 2019માં આ પત્રોને રદ કર્યા હતા, એમ કહીને કે મોકલતી વખતે ‘નિયત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું’. જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો હતો. જેના કારણે ફરી તપાસ શરૂ થઈ હતી. જો કે, 2019 માં, બોમ્બે હાઈકોર્ટે તેના નિર્ણયમાં ‘નોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ નામની કંપની સામેનો કેસ રદ કર્યો હતો. નોલેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ ડીઆરઆઈ દ્વારા નામાંકિત 40 સંસ્થાઓમાંથી એક છે. જો કે, બાકીના 39 કેસની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
અગાઉ અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિપોર્ટને ભારત પર સમજી-વિચારીને કરેલો હુમલો ગણાવ્યો હતો. ફાઈનાન્શિયલ ટાઈમ્સના આ અહેવાલ પર જૂથનું વલણ પણ સમાન છે. તાજેતરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ આરોપો ભારતની નિયમનકારી અને ન્યાયિક પ્રક્રિયાની મજાક ઉડાવે છે.
ADVERTISEMENT