- RBIની એક્શન બાદ Paytmની સમસ્યાઓ સતત વધી રહી છે.
- વેપારી સંગઠને વેપારીઓને Paytmનો ઉપયોગ ન કરવા માટે સલાહ આપી.
- વેપારીઓને હાલમાં ઉપલબ્ધ અન્ય કોઈ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા સૂચન.
RBI Action on Paytm: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોટી કાર્યવાહી બાદ એક તરફ ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ Paytm (RBI Action On Paytm)ની હાલત ખરાબ છે તો બીજી તરફ કંપનીની મુસીબતો ઘટવાની જગ્યાએ વધી રહી છે. શેરોમાં સતત લોઅર સર્કિટ ચાલી રહી છે, ત્યારે હવે વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ વેપારીઓને સલાહ આપી છે કે તેઓ તેમના વ્યવસાય સંબંધિત વ્યવહારો માટે Paytm નહીં પણ અન્ય વર્તમાન પ્લેટફોર્મનો ઉપયોગ કરે.
ADVERTISEMENT
CATના જનરલ સેક્રેટરીએ વેપારીઓને આપી સલાહ
Paytm વોલેટ અને તેની બેંકિંગ સેવાઓ પર આરબીઆઈના પ્રતિબંધ પછી CAIT દ્વારા આ સલાહ આપવામાં આવી છે. PTI અનુસાર, સંગઠન દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક દ્વારા પેટીએમ પર તાજેતરના પ્રતિબંધોને કારણે, દેશના વેપારીઓએ તેમના નાણાંની સુરક્ષા માટે અન્ય પ્લેટફોર્મ પર શિફ્ટ થવું જોઈએ. CATના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે, મોટી સંખ્યામાં નાના-મોટા વેપારીઓ, વિક્રેતાઓ, ફેરીયાઓ અને અન્ય લોકો Paytm દ્વારા પૈસાની લેવડદેવડ કરી રહ્યા છે અને RBI દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કાર્યવાહીને કારણે તેઓને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, Paytmને બદલે કોઈ અન્ય પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું વધુ સારું રહેશે.
29મી ફેબ્રુઆરીથી બેંકિંગ સેવાઓ પર બ્રેક
તાજેતરમાં, રિઝર્વ બેંકે પેટીએમની બેંકિંગ શાખા, Paytm પેમેન્ટ બેંકોની સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો, જે 29 ફેબ્રુઆરીથી લાગુ થવા જઈ રહી છે. આ પછી, ન તો Paytm પેમેન્ટ બેંક નવા ગ્રાહકોને ઉમેરી શકશે કે ન તો PPBL પાસે આ તારીખ પછી કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ અને FASTagમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકારવાનો અધિકાર રહેશે. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે પેટીએમને નોડલ એકાઉન્ટ 15 માર્ચ સુધીમાં સેટલ કરવાનો આદેશ આપ્યો છે.
RBIના પ્રતિબંધ બાદ શેરમાં ઘટાડો ચાલુ છે
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધથી, Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનના શેર ખરાબ સ્થિતિમાં છે અને સતત લોઅર સર્કિટનો સામનો કરી રહ્યા છે. ગયા અઠવાડિયે ગુરુવારથી ચાલુ રહેલો ઘટાડો આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર સુધી ચાલુ રહ્યો અને બજાર ખુલતાની સાથે જ Paytm શેર 10 ટકા ઘટીને રૂ. 438.50 પર આવી ગયો. શેરમાં સતત ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (Paytm MCap) પણ ઘટીને રૂ. 27850 કરોડ થઈ ગયું છે.
Paytm તરફથી યુઝર્સને ભરોસો
એક તરફ આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે, તો બીજી તરફ કંપની મેનેજમેન્ટ તેના યુઝર્સને સતત આશ્વાસન આપી રહ્યું છે. દરમિયાન, તાજેતરમાં Paytm CEO વિજય શેખર શર્માએ X પ્લેટફોર્મ દ્વારા યુઝર્સને ખાતરી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું દરેક Paytmerને કહેવા માંગુ છું કે તમારી મનપસંદ એપ કામ કરી રહી છે, તે 29 ફેબ્રુઆરી પછી પણ રાબેતા મુજબ કામ કરતી રહેશે.’ આ દરમિયાન ED દ્વારા Paytmના સ્થાપકની તપાસના સમાચાર પણ સામે આવ્યા હતા, જેના પર કંપનીએ નિવેદન જારી કરીને આવા સમાચારોને સદંતર ફગાવી દીધા છે.
ADVERTISEMENT