Budget 2024: ભારત સરકારના 2024-25ના નાણાકીય વર્ષના બજેટની ચર્ચાઓ થઈ રહી છે. 23 જુલાઈ મંગળવારના રોજ નાણામંત્રી નિર્મલા સિતરામણ સાતમી વખત બજેટ રજૂ કરીને ઇતિહાસ રચશે. સરકાર નાણાં ખર્ચવા માટે યોજના બનાવે છે, કોઈપણ એક નાણાકીય વર્ષમાં સરકારની આવક અને ખર્ચના અંદાજને બજેટ કહેવામાં આવે છે. સરકાર કઈ વસ્તુ પર કેટલો ખર્ચ કરવાની યોજના ધરાવે છે તેના રોડમેપ સાથે બજેટ રજૂ કરે છે. બજેટ આવક સાથે ખર્ચને સંતુલિત કરે છે. બજેટના એ શબ્દોની પરિભાષાને સમજી લઈએ તો બજેટ સમજવાનું વધારે સરળ બની જાય.
ADVERTISEMENT
બજેટના મુખ્ય બે ભાગ છે
1. રેવેન્યુ એટલે મહેસૂલ બજેટ: સરકારની આવકની આવક (કરની આવક અને અન્ય આવક) અને આ આવકમાંથી પૂરા થતા ખર્ચનો સમાવેશ થાય છે.
ઉદાહરણ: તેમાં ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, કસ્ટમ ડ્યૂટી, સર્વિસ, લોન પરના વ્યાજ અને રોકાણ પરના ડિવિડન્ડનો સમાવેશ થાય છે.
2. કૅપિટલ એટલે કે મૂડી બજેટ: આવકપ્રાપ્તિને કારણે સરકાર માટે નાણાકીય જવાબદારી સર્જાતી હોય તેને મૂડીગત બજેટ કહેવામાં આવે છે.
ઉદાહરણ: કેન્દ્ર દ્વારા રાજ્યોને, સરકારી કંપનીઓ, નિગમો અને અન્યોને આપવામાં આવેલ લોન તથા શેરમાં કરેલ રોકાણનો સમાવેશ થાય છે.
કરવેરા કેટલા પ્રકારના હોય છે?
બજેટના મહેસૂલ વિભાગમાં કરવેરાનો સમાવેશ થાય છે, તેના પણ બે પ્રકાર છે.
પ્રત્યક્ષ કર: પ્રત્યક્ષ કર એટલે નાગરિકો દ્વારા સરકારને સીધો ચૂકવવામાં આવતો વેરો છે જે વ્યક્તિએ તેમની વ્યક્તિગત આવક સંબંધે ચૂકવવાનો હોય છે. પ્રત્યક્ષ કરમાં ઇન્કમ ટૅક્સ, વેલ્થ ટૅક્સ અને કૉર્પોરેટ ટૅક્સનો સમાવેશ થાય છે.
પરોક્ષ કર: ચૂકવણીનો બોજ અન્ય વ્યક્તિ પર ટ્રાન્સફર થતો હોય છે. તેમાં સર્વિસ પ્રોવાઇડર કે ઉત્પાદક દ્વારા આપવામાં આવતી સેવા કે સામગ્રીના અંતિમ વપરાશકર્તા પર કર ટ્રાન્સફર કરવામાં આવે છે. વેલ્યૂ એડેડ ટૅક્સ, સેલ્સ ટૅક્સ, સર્વિસ ટૅક્સ, લક્ઝરી ટૅક્સ, એન્ટરટેઈન્મૅન્ટ ટૅક્સ અને ઑક્ટ્રોય વગેરે જેવા વિવિધ પરોક્ષ વેરાનું સ્થાન હવે GST એ લીધું છે.
ઓગસ્ટ મહિનામાં કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે, અત્યારથી નોંધી લેજો આ તારીખો નહીંતર ધક્કો થશે
ખાધ એટલે શું?
બજેટમાં સરકારની આવક કરતાં ખર્ચ વધારે હોય એવી સ્થિતિ વર્ષોથી સામાન્ય બની ગઈ છે. તેને ખાધ કહેવામાં આવે છે.
ફિસ્કલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધ: સરકારની કુલ મહેસુલી આવક કરતાં કુલ ખર્ચ વધી જાય ત્યારે રાજકોષીય ખાધ સર્જાતી હોય છે, તેમાં સરકારે લીધેલી લોનનો સમાવેશ થતો નથી.
રેવેન્યુ ડેફિસિટ એટલે કે મહેસુલી ખાધ: મહેસુલી ખર્ચ અને મહેસુલી આવક વચ્ચેનો તફાવત મહેસુલી ખાધ તરીકે ઓળખાય છે. તે સરકારના વર્તમાન ખર્ચ સામે વર્તમાન આવકમાંના ઘટાડાને દર્શાવે છે.
પ્રાયમરી ડેફિસિટ એટલે કે પ્રાથમિક ખાધ: પ્રાયમરી ડેફિસિટ એટલે વ્યાજની ચૂકવણી વિનાની રાજકોષીય ખાધ, તે દર્શાવે છે કે વ્યાજની ચૂકવણી સિવાયના અન્ય ખર્ચને પહોંચી વળવા માટે સરકાર બજારમાંથી કેટલું ઋણ લે છે.
કેટલાક ખાસ શબ્દો
બ્લુ શીટ: બજેટને લગતા મહત્વના દસ્તાવેજો અને તેનાથી સંબંધિત જરૂરી ડેટાની એ એક બ્લૂ રંગની સિક્રેટ શીટમાં હોય છે. તેને બ્લુ શીટ કહે છે. આ ગુપ્ત દસ્તાવેજને બજેટ પ્રક્રિયાની કરોડરજ્જુ તરીકે પણ સંબોધવામાં આવે છે.
ઝીરો બજેટ: પાછલા નાણાકીય વર્ષના ખર્ચ અને બાકીની રકમ આગળ વહન કરવામાં આવતી નથી. એટલે કે જો સરકારે કોઈપણ યોજના હેઠળ સાંસદોને કરોડો રૂપિયાની ફાળવણી કરી હોય અને તેનો માત્ર એક ભાગ જ ખર્ચવામાં આવ્યો હોય તો આ સ્થિતિમાં બાકીના નાણાં તેમને ફરીથી ફાળવવામાં આવતા નથી. જેને ઝીરો બજેટ કહેવામાં આવે છે.
ડિસઇન્વેસ્ટમેન્ટ: બજેટના ભાષણમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ ઘણી વાર સાંભળ્યો હશે . એટલે કે જ્યારે સરકાર સરકારી કંપનીઓનો હિસ્સો વેચે છે ત્યારે તેના માટે આ શબ્દ વપરાય છે.
કોન્સોલિડેટેડ ફંડ: ઉધાર કે સરકારી લોન પર મળતા વ્યાજ પર સરકાર જે કંઈ કમાય છે તેને કોન્સોલિડેટેડ ફંડ કહેવામાં આવે છે અને દેશમાં સરકાર દ્વારા જે ખર્ચ થાય છે તે આ ફંડ દ્વારા કરવામાં આવે છે. જો કે આ ફંડમાંથી પૈસા ઉપાડવા માટે સરકારે સંસદમાંથી મંજૂરી લેવી પડે છે.
ADVERTISEMENT