SEBI big action on Anil Ambani: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટરે અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઈનાન્સના પૂર્વ મુખ્ય અધિકારીઓ સહિત 24 અન્ય સંસ્થાઓને ઇક્વિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કરી છે. આ સાથે જ 25 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. SEBIએ તેમની સામે કંપનીમાંથી ફંડ ડાયવર્ઝનના આરોપમાં મોટી કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
25 કરોડનો ફટકાર્યો દંડ
સેબીએ અનિલ અંબાણી (Anil Ambani)ને 25 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને તેમને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સનલ (KMP) તરીકે અથવા માર્કેટ રેગ્યુલેટર સાથે રજિસ્ટર્ડ કોઈપણ મધ્યસ્થી તરીકે સિક્યોરિટી માર્કેટ સાથે 5 વર્ષ સુધીના સમયગાળા માટે સામેલ થવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાયનાન્સ પર પણ 6 મહિનાનોનો પ્રતિબંધ લાદતાં રૂ. 6 લાખની પેનલ્ટી ફટકારી છે.
સેબીએ શું કહ્યું?
સેબીએ 222 પાનાના અંતિમ આદેશમાં દર્શાવ્યું છે કે, અનિલ અંબાણીએ RHFLના મુખ્ય અધિકારીઓની મદદથી RHFLમાંથી ફંડ ઉપાડી ગેરરીતિ આચરી લોન પેટે અન્ય કંપનીઓને આપ્યું હતું. RHFLના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે કૉર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા અને આવી લોન પ્રક્રિયા રોકવા માટે સખત નિર્દેશો જારી કર્યા હોવા છતાં કંપની મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી. અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ અમુક મુખ્ય અધિકારીઓ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સંજોગોને જોતાં, ગુનો આચરવામાં વ્યક્તિગત અધિકારીઓની સાથે RHFL કંપની પણ પોતે તેટલો જ હિસ્સો બની છે.
અનિલ અંબાણી અને મેનેજમેન્ટે ઘડ્યો પ્લાન
સેબીએ તેના રિપોર્ટમાં જણાવ્યું કે છેતરપિંડીનો પ્લાન અનિલ અંબાણી અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઘડવામાં આવ્યો હતો. RHFLના KMP દ્વારા ફંડની હેરાફેરી કરવામાં આવી છે અને આ ફંડ જે પાત્ર નથી એવાને પણ લોન તરીકે આપવામાં આવ્યું હતું, જ્યારે 'પ્રમોટર સાથે જોડાયેલી સંસ્થાઓ' તરીકે દર્શાવવામાં આવી. અનિલ અંબાણીએ છેતરપિંડીને અંજામ આપવા માટે 'ADM ગ્રુપના ચેરમેન' તરીકે તેમના પદ અને RHFLની હોલ્ડિંગ કંપનીમાં તેમની મહત્વપૂર્ણ ઈનડાયરેક્ટ ભાગીદારીનો ઉપયોગ કર્યો.
RHFLમાં હાલમાં 9 લાખથી વધુ શેરધારકો
માર્કેટ રેગ્યુલેટરે તેના ઓર્ડરમાં કંપનીના મેનેજમેન્ટ અને પ્રમોટરના બેદરકારીભર્યા વલણની નોંધ લીધી હતી, જેમાં તેઓએ એવી કંપનીઓને સેંકડો કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી કે જેની પાસે સંપત્તિ, રોકડ પ્રવાહ, નેટવર્થ અથવા આવક ન હતી.
લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આમાંના મોટાભાગના લોન લેનારાઓ તેમની લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે RHFL તેની લોનની જવાબદારીઓ પર ડિફોલ્ટ થઈ ગયું, જેના કારણે RBI ફ્રેમવર્ક હેઠળ કંપનીનું રિઝોલ્યુશન થયું અને તેના શેરધારકોને તકલીફ પડી. અત્યારે પણ 9 લાખથી વધુ શેરધારકો RHFLમાં રોકાણ કરે છે, જેઓ નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહ્યા છે.
ADVERTISEMENT