નવી દિલ્હી: ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 24 જાન્યુઆરી, 2023 ના રોજ અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો હિંડનબર્ગ રિપોર્ટપબ્લીશ થયો ત્યારથી, તેઓ દરરોજ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં એક પછી એક ડીલ પણ તેના હાથમાંથી સરકી રહી છે. એક મહિનાની અંદર, અદાણી અબજોપતિઓની યાદીમાં બીજા નંબર પરથી 26માં સ્થાને પહોંચી ગયા છે. ત્યારે હવે ઓરિએન્ટ સિમેન્ટ સાથેનો સોદો પણ રદ્દ થયો છે.
ADVERTISEMENT
ગૌતમ અદાણીની નેટવર્થ સતત ઘટી રહી છે. તો બીજી તરફ તેમના હાથમાંથી એક પછી એક મોટી ડીલ નીકળી રહી છે. હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ અદાણીએ નવી યોજના બનાવી છે. અદાણી ગ્રૂપે બિઝનેસ વિસ્તરણને અટકાવી દીધું છે. અદાણી ગ્રુપ દ્વારા DB પાવર-PTC ઇન્ડિયા સાથેના સોદામાંથી રદ્દ કર્યા છે ત્યારે બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર સીકે બિરલા ગ્રૂપની કંપની ઓરિએન્ટ સિમેન્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથેનો સોદો રદ કર્યો છે.
એમઓયુની ડેડલાઇન પૂર્ણ
અદાણી ગ્રૂપ સાથેની ડીલ તોડીને સીકે બિરલા ગ્રૂપ વતી કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રૂપ આ ડીલ માટે જરૂરી મંજૂરી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ઓરિએન્ટ સિમેન્ટે સપ્ટેમ્બર 2021માં અદાણી સાથે એમઓયુની જાહેરાત કરી હતી. બંને કંપનીઓએ મહારાષ્ટ્રના તિરોડા ખાતે સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ સ્થાપવા માટે જોડાણ કર્યું હતું. સીકે બિરલા ગ્રુપના જણાવ્યા અનુસાર, આ એમઓયુની ડેડલાઇન પૂર્ણ થઈ ચૂકી હતી. હિંડનબર્ગના રિપોર્ટ બાદ મુશ્કેલીમાં ફસાયેલા અદાણી ગ્રુપના સોદાઓની યાદી પર નજર કરીએ તો, તેમને એક મહિનામાં ત્રણ મોટા આંચકાઓ પડ્યા છે.
અદાણીના સોદાઓ થઈ રહ્યા છે રદ્દ
આ સપ્તાહની શરૂઆતમાં જ ગૌતમ અદાણીએ સોમવારે પાવર ટ્રેડિંગ કોર્પોરેશન લિમિટેડ (PTC) માં હિસ્સા માટે બિડ નહીં કરવાનો નિર્ણય લીધો છે. PTC ઈન્ડિયા લિમિટેડના શેરધારકોમાં લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) અને દામોદર વેલી કોર્પનો પણ સમાવેશ થાય છે. આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે રૂ. 2,500 કરોડ છે. જો આપણે વર્તમાનની કિંમતો પર નજર કરીએ, તો પીટીસી ઈન્ડિયામાં 16 ટકા હિસ્સાનું મૂલ્ય 415 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે. બીજી તરફ ડીબી પાવર સાથે જે ડીલ અગાઉ રદ કરવામાં આવી હતી તે રૂ. 7000 કરોડથી વધુની હતી.
આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ? જાણો શું છે મામલો
અમીરોની યાદીમાં 26મું સ્થાન
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, ગૌતમ અદાણીને બુધવારે મોટો આંચકો લાગ્યો હતો અને તેણે 6 બિલિયન ડોલરથી વધુની સંપત્તિ ગુમાવી હતી. શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ફરી એકવાર તેની તમામ 10 કંપનીઓના શેર લાલ નિશાન પર ટ્રેડ થયા. સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટના શેરમાં જોવા મળ્યો હતો. ગુરુવારે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. શેરમાં ઘટાડાને કારણે તેમની નેટવર્થ 42.7 બિલિયન ડોલર થઈ ગઈ છે. ગૌતમ અદાણી હવે અમીરોની યાદીમાં 26મા નંબરે પહોંચી ગયા છે.
ADVERTISEMENT