અમદાવાદ: ગુજરાતના ઉધ્યોગપતિ અદાણી દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક છે. અદાણી હવે મીડિયા ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. ગૌતમ અદાણી ગ્રૂપની કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડે મીડિયા હાઉસ NDTVમાં ભાગીદારી ખરીદવાની સત્તાવાર જાહેરાત કરી છે. અદાણી ગ્રુપ NDTV એટલે કે નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડમાં 29.18 % ભાગીદારીનું અધિગ્રહણ કરશે તેવી જાહેરાત કરી છે.
ADVERTISEMENT
NDTV આશરે ત્રણ દાયકાથી મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવનારી કંપની છે. આ કંપનીની ત્રણ નેશનલ ન્યૂઝ ચેનલ-એનડીટીવી 24×7, એનડીટીવી ઇન્ડિયા અને એનડીટીવી પ્રૉફિટ છે. આ કંપનીમાં હવે ઉધ્યોગપતિ ગૌતમ અદાણીનું વર્ચસ્વ જોવા મળશે. અદાણી ગ્રુપ NDTV માં 29.18 % ભાગીદારીનું અધિગ્રહણ કરશે તેવી જાહેરાત કરી છે. બીજી તરફ ખુલ્લી ઓફર દ્વારા એનડીટીવીમાં 26 ટકા ભાગીદારીનું અધિગ્રહણ કરશે. આ રીતે અદાણી ગ્રુપની કુલ ભાગીદારી 55 ટકાથી વધારે થઇ જશે અને તે મીડિયા કંપનીમાં મેજર સ્ટેકહોલ્ડર ગણાશે. અદાણી ગ્રુપે આ ડીલ આશરે 495 કરોડ રૂપિયામાં કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડના સીઈઓ સંજય પુગલિયાએ એક નિવેદનમાં કહ્યું કે, આ અધિગ્રહણ મીડિયા ઈંડસ્ટ્રીમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. અમે ભારતીય નાગરિક, ગ્રાહકો અથવા ભારતમાં રસ દાખવનારાને સૂચના અને જ્ઞાન સાથે સશક્ત બનાવવા માગીએ છીએ. NDTV અમારા દ્રષ્ટિકોણને પુરા કરવા માટે સૌથી કારગર પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે. અમે સમાચાર વિતરણમાં NDTVના નેતૃત્વને મજબૂત કરવા માટે તત્પર છીએ.
NDTVના CEOએ ઉચ્ચાર્યા અલગ સૂર
અદાણી ગ્રુપ દ્વારા સાંજે NDTVમાં સ્ટેક લેવાની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતના 2 કલાક બાદ NDTVના CEOએ ઈન્ટરનલ મેઈલ જાહેર કરીને કર્મચારીઓને કહ્યું કે અદાણી દ્વારા મીડિયા ગ્રુપમાં સ્ટેક લેવાના સમાચાર ચોંકાવનારા છે. આ અંગે અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. અમારી સાથે કોઈ વાતચીત કરવામાં આવી છે. ગ્રુપના CEOએ આ મામલે આગળ રેગ્યુલેટરી અને કાયદાકીય પગલાં ભરવાની વાત પણ કરી છે.
એપ્રિલમાં તૈયાર કરી હતી મીડિયા કંપની
અદાણી ગ્રુપે આ વર્ષે મીડિયાક્ષેત્રે ઝંપલાવ્યું હતું. 26 એપ્રિલ, 2022નાં રોજ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ નામથી મીડિયા વ્યવસાયને ચલાવવા માટે એક કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની દ્વારા મીડિયા વ્યવસાય ચલાવવા માટે એક લાખ રૂપિયાની ઈનિશિયલ ઓથરાઈઝ્ડ અને પેડઅપ શેર કેપિટલનું પ્રોવિઝન પણ કરવામાં આવ્યું હતું. AMG મીડિયા નેટવર્ક લિમિટેડ દ્વારા બ્રોડકાસ્ટિંગ, એડવરટાઈઝમેન્ટ અને પબ્લિશિંગ સહિત મીડિયા રિલેટેડ અનેક પ્રોજેક્ટસ હેન્ડલ કરવાના હેતુથી આ કંપનીની સ્થાપન કરવામાં આવી હતી.
અદાણીની નેટવર્થ 11 લાખ કરોડ રૂપિયા
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ મુજબ વર્તમાનમાં ગૌતમ અદાણીની નેટવર્થ લગભગ 11 લાખ કરોડ રૂપિયા છે. તેઓ દુનિયાના ચોથા સૌથી અમીર ઉદ્યોગપતિ છે. માત્ર એલન મસ્ક (ટેસ્લા), જેફ બેઝોસ (એમેઝોન) અને બર્નાર્ડ અર્નોલ્ટ (LVMH)જ નેટવર્થમાં તેમની આગળ છે. ગૌતમ અદાણી ટૂંક સમયમાં ત્રીજા ક્રમ પર આવી જશે.
ADVERTISEMENT