AAPના વધુ એક ઉમેદવાર વિવાદમાં, દારૂની હેરાફેરી, લૂંટ, મારામારી સહિત 20થી વધુ ગુના નોંધાયેલા છે
અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસોમાં જ વિભાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં થોડા દિવસોમાં જ વિભાનસભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરવા જઈ રહેલી આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં એક બાદ એક ઉમેદવારો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા દેવગઢબારીયા બેઠકના ઉમેદવાર ભારતસિંહ વાખળા (Bharatsinh Vakhala) ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
હત્યાનો પ્રયાસ, ફાયરિંગ સહિતની ફરિયાદ ભારતસિંહ વાખળા સામે
દેવગઢ બારીયા બેઠકના AAPના ઉમેદવાર ભારતસિંહ વાખળા પર 20થી વધુ ગુના દાખલ થયેલા છે. જેમાં દારૂની હેરાફેરી, મારામારી, લૂંટ, મર્ડર, હત્યાનો પ્રયાસ, ફાયરિંગ સહિતના ગુનાની ફરિયાદ દેવગઢબારીયા, પંચમહાલ સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. હાલમાં જ તેમની સામે વિદેશી દારૂના ગુનામાં પાસા થઈ હતી અને જેલમાંથી છૂટીને આવ્યાના 12 દિવસમાં જ પત્ની સાથે આડા સંબંધોની અદાવતમાં બે વ્યક્તિઓની બાઈકને સ્કોર્પિયોથી ટક્કર મારી ભાગી ગયા હતા. જે બાદ તેમને પકડીને કોર્ટમાં રજૂ કરતા ધાનપુર કોર્ટે તેમને દાહોદની ડોકી સબજેલમાં મોકલી દીધા હતા.
વર્ષ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા
ભારતસિંહ વાખળા વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડ્યા હતા. જેમાં તેમની ભાજપના બચુભાઈ ખાબડ સામે હાર થઈ હતી. તાજેતરમાં જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં તેમની ગુનાહિત ઈતિહાસ આગામી સમયમાં આમ આદમી પાર્ટીને નુકસાન કરી શકે છે. એક તરફ આમ આદમી પાર્ટી પોતે સ્વચ્છ અને ઈમાનદાર છબી ધરાવતી હોવાનો દાવો કરે છે, જ્યારે બીજી તરફ પાર્ટીની જ ટિકિટ પરથી લડનારા ઉમેદવારો એક બાદ એક વિવિધ વિવાદોમાં સપડાઈ રહ્યા છે.
ADVERTISEMENT
અગાઉ અસારવા અને વેજલપુરના ઉમેદવારો પણ વિવાદમાં સપડાયા હતા
નોંધનીય છે કે આ પહેલા AAPના અસારવા તથા વેજલપુરના ઉમેદવાર પણ વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. જેમાં અસારવા બેઠકના ઉમેદવાર જે.જે ચાવડા સામે 300 કરોડની અપ્રમાણસર મિકલતના આક્ષેપ સાથે મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે વેજલપુરના ઉમેદવાર કલ્પેશ પટેલની દારૂ તથા હુક્કા સાથેની તસવીરો વાઈરલ થઈ હતી.
(વિથ ઈનપુટ: શાર્દુલ ગજ્જર)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT