ગુજરાતમાં મોબ લિંચિંગની વધુ એક ઘટનાઃ છત્તીસગઢથી આવેલા ખેડામાં યુવકને ચોર સમજી માર્યો, મોત
હેતાલી શાહ.આણંદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં ગઈ રાત્રે એક છત્તીસગઢના યુવકને ચોર સમજી આશરે છ લોકોએ ગંભીર રીતે માર મારતા યુવકનું સારવાર…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં ગઈ રાત્રે એક છત્તીસગઢના યુવકને ચોર સમજી આશરે છ લોકોએ ગંભીર રીતે માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. યુવક મજૂરી કામ માટે અમદાવાદ આવ્યો હતો પરંતુ યુવક પરત જઈ રહ્યો હતો, દરમિયાન તેનું મોત થઈ જતા મામલો મહેમદાવાદ પોલીસ મથકે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે આ એક વધુ ઘટના બની છે જેમાં ચોર સમજીને લોકોએ યુવકોને માર માર્યો હોય. ગુજરાતના અમદાવાદમાં પણ એક નેપાળી યુવાન કે જે નોકરી કરી પાછો જઈ રહ્યો હતો ત્યારે ગત રાત્રે તે કુતરાઓથી ડરીને એક ઘરમાં છૂપાયો જ્યાં લોકોએ ચોર સમજી તેને માર મારીને પતાવી દીધો હતો.
લોકોના ટોળા તુરંત આપી દે છે સજાએ મોત
પોલીસની નિષ્ક્રિયતાને પગલે શહેર હોય કે ગામ છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. જેને લઈને કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાંતો ગ્રામજનો રાત્રે જાગીને પહેરો કરતા હોય છે. એમાંય રાત્રી દરમ્યાન જો કોઈ અજાણ્યો ઈસમ પણ જોવા મળે તો ચોર સમજી તેને મારવામાં આવે છે અને કેટલીયે ઘટનામાં તો નિર્દોષ વ્યક્તિઓને મોતને ભેટવાનો વારો આવે છે. લોકોના ટોળા જાણે સ્થળ પર જ તેને ચોર ઘોષિત કરી સજાએ મોત આપવા ઉપર ઉતરી આવ્યા હોય તેવો ઘાટ ઘડાય છે. એવામાં આવી જ એક ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુઢાવણસોલમા બની છે, જ્યાં મજૂરી કામ માટે અમદાવાદ આવેલા અને બાદમાં પરત જઈ રહેલા રામકેશ્વર રામસુંદર ખેરવારને ચોર સમજી માર મારવામાં આવતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
હાઈકોર્ટમાં સત્યેંદ્ર જૈનની જામીન અરજી સામે ED: જૈનના જવાબ મંગળવારે
પોલીસે લોકોથી યુવાનને છોડાવ્યો પણ…
મળતી માહિતી અનુસાર, છત્તીસગઢના બલરામપુર જિલ્લાના વાડજ નગર તાલુકાના મરના ગુરમુટ્ટી પંચાયત ગામે રહેતા આશરે 30 થી 35 વર્ષીય રામકેશ્વર રામસુંદર ખેરવાર 15 દિવસ પહેલા મજૂરી કામ અર્થે અમદાવાદ આવ્યા હતા. જેઓ ભૂતકાળમાં સાબરમતી મેટ્રોમાં નોકરી કરતા હતા. જેને લઈને તે સમયે સંપર્કમાં આવેલા મનીષકુમાર સિંગ પાસે મજૂરીનું કામ માંગવા 17 તારીખે તે અમદાવાદ આવ્યો હતો, પણ નોકરી ન હોવાથી અથવાતો નોકરી કરવાનું ના ગમ્યું હોવાથી તે ગત રોજ પરત પોતાના વતન જઈ રહ્યો હતો. દરમ્યાન મહેમદાવાદ તાલુકાના સુઢાવણસોલ ગામના આશરે 6 જેટલા લોકોએ ભેગા મળીને રામકેશ્વરને ચોર સમજી માર માર્યો હતો. એટલું જ નહીં માથાના ભાગે તિક્ષ્ણ હથીયાર વડે માર મારવામાં આવ્યો હતો. જેની જાણ મહેમદાવાદ પોલીસને થતા પોલીસ તુરંત સ્થળ પર પહોંચી રામકેશ્વરને છોડાવી 108 ઈમરજન્સી વાન મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આ યુવકની ઓળખ કરવા માટે તેની પાસે રહેલા મોબાઈલમાંથી મનીષકુમાર સિંગનો નંબર મળી આવતા તેમને ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા. મનિષકુમાર સિંગે યુવકને ઓળખી લીધો હતો. અને રામકેશ્વર વિશે જાણકારી આપી હતી. બાદમાં મહેમદાવાદ પોલીસ મથકે મનિષકુમાર સિંગે અજાણ્યા આશરે છ ઈસમો સામે કાયદેસરની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
પોલીસે શું કહ્યું?
આ અંગે ઇન્ચાર્જ એસ.પી. વી.આર.વાજપાઈ ના જણાવ્યા અનુસાર, “મહેમદાવાદ પોલીસ સ્ટેશનની અંદર આવેલું વણસોલ ગામ છે, ગઇરાત્રિના જે વણસોલ ગામમાં એક ફરીયુ છે તેની અંદર એક ઈસમ લોકોને શંકાસ્પદ ચોર જેવું જણાતા, ગામ લોકોએ એને પકડી પાડીને, પોલીસને જાણ કરે તે અગાઉ ગામ લોકો દ્વારા એને બાંધીને માર મારવામાં આવ્યો હતો. એ અનુસંધાને એ જે વ્યક્તિ છે, છત્તીસગઢના મૂળ વતની હોવાનું પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે. તે ભૂતકાળમાં અમદાવાદ ખાતે મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો હતો. 17 તારીખના રોજ છત્તીસગઢથી એ અહીંયા આવેલો અને એ પકડાઈ જતા એને હાથ પગ બાંધીને પછી માર મારેલો એ અનુસંધાને માથામાં ઇજા અને જમણા હાથે એને ફેક્ચર થઈ ગયું હતું. તેને 108 બોલાવીને હોસ્પિટલ લઈ ગયા હતા. તે દરમિયાન હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તે અનુસંધાને અહીંયા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ કરી જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા કે જે ગામના લોકો હતા તેઓની શોધખોળ હાલમાં ચાલુ છે.
મેહુલ ચોક્સી નજર સામે હશે તો પણ ભારતીય અધિકારી પકડી નહી શકે, ઇન્ટરપોલના નિર્ણયથી મોટો ઝટકો
ગામના સરપંચ ગણપતભાઈ ચૌહાણ જણાવ્યું કે, રાત્રે મોડી રાત્રે ગઈકાલે બાર વાગ્યાની આજુબાજુ મારી પર ફોન આવ્યો કે, અમે ચોર પકડ્યો છે. ચોર પકડ્યા પછી પોલીસને બોલાવો એટલે મેં મારા ફોનથી મહેમદાવાદ પોલીસ સ્ટેશનને ફોન લગાવી પોલીસ બોલાવી અને પોલીસ આવતા અમે સ્થળ પર જઈ ચોરને 108 માં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આજે ખબર પડી કે તેનું મોત થયું છે. હાલ પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પુછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે આ ઘટના બનતા મહેમદાવાદ સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે. ત્યારે મહેમદાવાદ પોલીસે હાલમાં શંકાસ્પદ ઈસમોની અટકાયત કરીને તેમની પૂછપરછ પણ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT